માળીયા(મી)માં સરકારી હોસ્પિટલ નજીક બોલાચાલી ઝઘડો કરી પાઇપ-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં યુવતીને ભગાડી લગ્ન કર્યા હોવાનો ખાર રાખી, યુવકના પરિવાર ઉપર હુમલો કર્યા અંગે ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, માળીયા(મી)ના સરકારી હોસ્પિટલ પાસે રહેતા સાઈનાબેન ઉમરભાઈ મુસાણી ઉવ.૨૨એ માળીયા(મી)પોલીસ મથકમાં આરોપી લતીફભાઇ હૈદરભાઇ કાજેડીયા, ઇબ્રાહીમભાઇ ઉર્ફે કારો મુસ્તાકભાઇ કાજેડીયા તથા સિકન્દર મુસ્તાકભાઇ કાજેડીયા રહે. સરકારી હોસ્પીટલ પાસે માળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના ભાઈ ઉસ્માનભાઈએ આરોપી લતીફભાઈ હૈદરભાઈ કાજેડીયાની ભત્રીજી સમીમબેન સાથે બે-અઢી વર્ષ અગાઉ ભાગીને લગ્ન કર્યા હતા. આ બાબતે આરોપીઓએ ખાર રાખી તા. ૦૩/૦૪ના રોજ રાત્રિના સમયે ફરીયાદીના ઘરે આવી ગાળા ગાળી શરૂ કરી હતી. આરોપીઓએ દરવાજામાં લાકડી અને પાઇપના ઘા મારી ફરીયાદી અને સાહેદ વલીમહમદભાઈ તથા રસુલભાઈને બહાર બોલાવી હુમલો કર્યો હતો. આરોપી ઇબ્રાહીમભાઈ ઉર્ફે કારો અને સિકંદર મુસ્તાકભાઈ કાજેડીયાએ લાકડી અને પાઇપ વડે સાહેદોને ઘા ઝીંકી ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન લતીફભાઈના હાથમાં ધારીયું હતું જે ફરીયાદીએ પકડી લેતાં તેને પણ ધક્કો મારી પાડી દેવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે