ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ થોડા દિવસો પહેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. અને તે બાદ આ મોડ્યુલની મુખ્ય સુત્રધાર શમા પરવીનની બેંગ્લોર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) ના પકડાયેલ આરોપી ઝીશાન અલી પાસેથી હથિયાર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા (AQIS)ની પ્રવૃત્તિઓને “ગઝવા-એ-હિંદ” ના નામે આગળ ધપાવવા, ભારતની મુસ્લિમ વસ્તીને કુફર સામે હિંસા અથવા આતંકવાદી હુમલા કરવા માટે ઉશ્કેરવા અને લોકમત દ્વારા ચૂંટાયેલી લોકશાહી સરકાર સામે સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપી અને ઇસ્લામિક શરિયતનું પાલન કરતી સરકાર અથવા ખિલાફત સ્થાપિત કરીને ભારત સામે અસંતોષ ફેલાવવા માટેની વિચારધારા ફેલાવવા તથા તેના પ્રચાર-પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલ ફરદીન શેખ, સેફુલ્લા કુરેશી, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી આસીફ અલીની અટકાયત કરી ચારેય વિરુદ્ધ અનલોકુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ની કલમ 13, 18, 38, 39, ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ 113, 152, 196, 61 હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૭/૦૭/૨૦૨૫ ના રોજ સદર મોડ્યુલની મુખ્ય સુત્રધાર શમા પરવીનની બેંગ્લોર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આ ગુનાની બાતમીની ખરાઇ કરતા સમયે સોશ્યલ મિડીયા એકાઉન્ટસના સર્વેલન્સ દરમ્યાન તેમને જાણવા મળ્યું હતુ કે, આરોપી ઝીશાન અલી પાસે એક સેમી ઓટોમેટીક પીસ્ટલ છે. જે બાબતે આ ગુનાના તપાસ કરનાર અધિકારી ડી.વાય.એસ.પી. વિરજીતસિંહ પરમાર તથા ટીમ દ્વારા આરોપી ઝીશાન અલીની સઘન પુછપરછ દરમ્યાન આરોપી દ્વારા કરવામાં આવેલ ખુલાસાના આધારે આરોપી પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની વિગતો જાણવા મળી હતી. જે બાબતે એ.ટી.એસ. ગુજરાતના પોલીસ ઇન્સપેકટર નિખીલ બ્રહ્મભટ્ટ તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.આર.ચૌધરી નાઓની ટીમ દ્વારા આરોપીને સાથે રાખીને તેના નોઈડા ખાતેના નિવાસ સ્થાનેથી ૦૧ સેમી ઓટોમેટીક પીસ્ટલ તથા ૦૩ રાઉન્ડ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે.