છરી તથા ઢીકાપાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જનાર ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે બોક્સ ક્રિકેટ રમતી વેળા નાનાભાઈ સાથે સામાન્ય બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી બે સગા ભાઈઓ તથા તેમની સાથે રહેલા તેમના બનેવીને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરી વડે ઇજાઓ પહોંચાડી ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ સમગ્ર બનાવ બાબતે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા ઉવ.૨૩ એ આરોપી વિશાલભાઇ ધારાભાઇ ભુંભરીયા, ધર્મેદ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા તથા ધરમરાજ ઉર્ફે ભાણો તમામ રહે.અમરનગર વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૪/૦૮ના રોજ રાત્રીના ફરિયાદી ચિરાગભાઈ તથા તેમનો નનોભાઈ તથા બે બનેવી ભુપતભાઇ અને જયભાઈ એમ ચારેય લક્ષ્મીનગર ગામે બોક્સ ક્રિકેટ રમવા ગયા હોય ત્યારે આરોપી વિશાલભાઈ અને કિશનભાઈ વચ્ચે રમતમાં સામાન્ય બાબતે બોલાચાલી થસી હતી. જે બાદ ક્રિકેટ રમીને ચિરાગભાઈ સહિત ચારેય લક્ષ્મીનગરથી પરત તેમના ઘરે જઈ રહ્યા હોય તે દરમિયાન અમરનગર ગામના નાલા પાસે ઉઓરોકટ આરોપી વિશાલ ત્યાં ઉભો હતો અને ચિરાગભાઈને કહેવા લાગ્યો કે તારો ભાઈ કેમ મારી સાથે બોલાચાલી કરતો હતો તેમ કહી તેને ફોન કરી ઉપરોક્ત અન્ય ત્રણ આરોપીઓને બોલાવતા તેઓ કાર લઈને બનાવ સ્થળે આવી ફરિયાદી ચિરાગભાઈ અને કિશનભાઈને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા, તે દરમિયાન ચિરાગભાઈને બનેવી ભુપતભાઇ અને જયભાઈ તેઓને છોડાવવા વચ્ચે પડતા આરોપી વિશાલભાઈએ પોતાના પાસે રહેલ છરી આડેધડ ફેરવવા લાગતા, ભુપતભાઈને ચહેરા ઉપર છરી મારી દીધી હતી, જે બાદ ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા, ત્યારે ફરિયાદીના બનેવી ભૂપતભાઈને તાત્કાલિક મોરબી હોસ્પિટલ ખસેડતા જ્યાં તેઓને ચહેરા ઉપર ટાંકા આવેલ અને ચિરાગભાઈ અને કિશનભાઈએ પણ મૂંઢ મારની સારવાર લીધી હતી. હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે