માળીયા કચ્છ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. કાર અને ટ્રેલર ધડાકાભેર અથડાયા બાદ તેમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ચાર મુસાફરો જીવતા જ ભડથુ થઈ ગયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં છ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા-કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં આર્ટિકા કાર, ટ્રક અને કન્ટેન વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગતા કાર સવાર બે બાળકો અને ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત ચાર લોકોના ભડથુ થઈ જતા મોત નીપજ્યું છે. જેમાં બાળકોમાં ગાંધીધામના રહેવાસી 17 વર્ષીય જૈમિન જગદીશભાઈ બાબરિયા અને 15 વર્ષીય રુદ્ર ગોપાલભાઈ ગુજરીયાનું મોત નીપજ્યું છે, જયારે મૃતક ડ્રાઇવર અને ક્લીનરની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે એક ટ્રકના બે ડ્રાઈવર ક્લીનર તેમજ કારમા સવાર છ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સામખિયાળી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ત્યારે બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અને પોલીસ દ્વારા વહેલી સવાર સુધી કવાયત કરીને ટ્રાફિકને દૂર કરી વાહક વ્યવહાર યથાવત કરવામાં આવ્યો હતો.