હળવદ દિઘડિયા ગામે રહેતી પરિણીતાએ પતિ અને જેઠાણીના સગરીરીક માનસિક ત્રાસને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં પરિણીતાના લગ્ન પૂર્વે તેના બેંક ખાતામાં પડેલ રૂપિયા ઉપાડી લેવા પતિ દ્વારા અવારનવાર કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેમજ તેની જેઠાણી પણ આ બાબતે પરિણીતાના પતિને ખોટી ચડામણી કરતી હોય જેથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતકના ભાઈએ હળવદ પોલીસ મથકમાં બનેવી તથા તેમની ભાભી એમ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના દોલતપુરા ગામના વતની હાલ રાજગઢ ગામ તા. ધ્રાંગધ્રામાં રહેતા હિતેશકુમાર પૂંજાભાઈ ચાવડા ઉવ.૧૯ એ હળવદ પોલીસ મથકમાં આરોપી વિઠ્ઠલભાઇ ઉર્ફે વિશાલકુમાર ચતુરભાઈ મકવાણા તથા હીરાબેન દિનેશભાઇ મકવાણા બન્ને રહે. દિઘડિયા તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી ફરિયાદીના બનેવી વિઠ્ઠલભાઇ ઉર્ફે વિશાલકુમાર વાળા સાથે તેમના ફરિયાફીના બહેન રેખાબેન સાથે થયેલ લગ્ન બાદ, રેખાબેનને તેણીના બેન્ક ખાતામા પડેલ રૂપીયાથી આણામા સોનાના ઘરેણા લાવવા માટે તેઓના પતિ આરોપી વિઠ્ઠલભાઈ દબાણ કરી જણાવતા હોય અને રેખાબેનના જેઠાણી આરોપી હીરાબેનની ચડામણીથી રેખાબેનના પતિ અવારનવાર શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા, તેમજ તા.૦૭ ઓગસ્ટના રોજ રાત્રીના ફરીયાદીના બહેન રેખાબેનને તેના પતિ સાથે ઝઘડો થયેલ જેથી તેણીને લાગી આવતા, તેમજ દુ:ખ ત્રાસથી કંટાળી જઈ તેના ઘરે ગઈકાલ તા.૦૮/૦૮ના રોજ સવારના આશરે સાડા છએક વાગ્યા પહેલા કોઇપણ સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા રેખાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ઉપરોક્ત બન્ને આરોપીઓએ મરણજનારને મરવા માટે દુસ્પ્રેરણા કરતા બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું. હાલ હળવદ પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે