મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે કચ્છ જીલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલ ચાર મોટરસાયકલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે બે વાહન ચોર ઇસમને ઝડપી લેવાયા છે. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી કુલ રૂ.૧ લાખની કિંમતના ચારેય મોટરસાયકલ કબ્જે કર્યા હતા. પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં આરોપીઓએ કચ્છના મેળા અને અન્ય સ્થળોથી વાહનો ચોરી કર્યાની કબુલાત આપી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓને રોકવા અને ઉકેલવા માટે પોલીસ તાકીદે કાર્યરત છે. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ મથક પીઆઇ આર.એસ. પટેલના સૂચન અનુસાર સર્વેલન્સ ટીમના પીએસઆઇ જે.સી. ગોહિલ સહિત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન એએસઆઇ વિજયદાન ગઢવી, પો.કોન્સ. જયદીપભાઈ ગઢવી અને પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળી કે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે ભક્તિનગર સર્કલ પાસે ઉભો હોય જેથી પોલીસે સ્થળ પર પહોંચી મોટરસાયકલના દસ્તાવેજો માંગતા તેના પાસે ન હોવાનું કહેતા, તે આરોપીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ કે આ મોટરસાયકલ રજી. જીજે-૧૨-ઇએફ-૧૬૩૪ કચ્છના રાપર તાલુકાના મોમાઇ મોરા ગામ ખાતે મેળા દરમ્યાન ચોરી કર્યા અંગેની કબુલાત આપી હતી. જ્યારે આરોપીની વધુ પૂછપરછમાં આરોપીએ કચ્છમાંથી કુલ ચાર મોટરસાયકલ ચોરી કર્યા હતા. જેમાંથી ત્રણ તેના મિત્ર સંજયભાઈ મનસુખભાઈ વાઘેલાને આપ્યા હતા. આ સાથે પોલીસે આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ વિશાભાઈ મકવાણા ઉવ.૨૫ રહે.મકવાણા વાસ માખેલ ગામ તા. રાપર જી. કચ્છ તથા સંજયભાઈ ઉર્ફે ગવો મનસુખભાઈ વાઘેલા ઉવ.૨૫ રહે.વાડામાં કુંભારીયા ગામ તા. માળીયા(મી) વાળાની અટકાયત કરી હતી, જે બાદ પોલીસે આરોપી સંજયભાઈ પાસેથી બાકીના ત્રણ મોટરસાયકલ હિરો સ્પ્લેન્ડર જીજે-૦૩-ઇપી-૯૮૪૮, હિરો એચ.એફ. ડીલક્સ, હિરો સ્પ્લેન્ડર એમ કુલ ચાર મોટર સાયકલ પણ કબ્જે કર્યા હતા. હાલ એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.