મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં મોરબી-માળીયા રોડ પર ડમ્પર ચાલકની બેદરકારીભર્યું ડ્રાઈવિંગથી અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા, મોટર સાયકલ સવાર સગા બે ભાઈઓને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું જ્યારે બીજા ભાઈને હાથ-પગમાં મૂંઢ ઇજાઓ થઈ હતી.
મળતી વિગતો અનુસાર, ફરીયાદી ચિરાગભાઈ રમેશભાઈ બગથરિયા ઉવ.૨૯ રહે. દાદાશ્રીનગર તા.જી. મોરબી વાળાએ તાલુકા પોલીસ મથકના આરોપી ડંપર ટ્રક રજી નં. જીજે-૩૬-વી-૪૮૪૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૭/૦૮ના રોજ બપોરે ચિરાગભાઈ અને તેમના મોટા ભાઈ નિલેષભાઈ રમેશભાઈ બગથરિયા હીરો હોન્ડા સીડી ડોઉન રજી.નં. જીજે-૧૦ એબી-૦૨૧૫ ઉપર જઇ રહ્યા હતા. ત્યારે તેઓ નવા સાદુળકા ગામની સીમામાં મોરબી-માળીયા રોડ પર કેડા કંપની અને લેમીકા પેપર મિલ વચ્ચે પહોંચ્યા, ત્યારે ડમ્પરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે ફરીયાદી ચિરાગભાઈને હાથ-પગમાં મુઢ ઈજા થઈ અને મોટરસાયકલ ચાલક નિલેષભાઈને માથા, છાતી અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત થયું હતું. હાલ તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે