મોરબીમાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ- ડાયમંડનગર(આમરણ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખા ગામને કેસરી ધજા તેમજ રોશનીથી શણગારી વિશાળ શોભાયાત્રા યોજવામા આવશે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશનીથી શણગારી દેવામાં આવી છે. તેમજ તા.૧૬ ને શનીવારે રાત્રે 8 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ઐતિહાસીક શણગારથી બનાવેલ રથ હશે. આ શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને ડાયમંડનગરના માર્ગોમા શોભાયાત્રા રૂટ પર ભગવાન શ્રી ક્રુષ્ણ અને બલરામ દ્વારા રૂક્ષ્મણી મટુકી, ગોપી મટુકી, વૃંદા મટુકી, યશોદા મટુકી, મીરા મટુકી, બાસૂરી મટુકી, રાધે મટુકી, સુદામા મટુકી, યમુના મટુકી, માધવ મટુકી, ગોપાલ મટુકી, તુલસી મટુકી, કેશવ મટુકી એમ કુલ ૧૩ મટુકીફોડ કરવામાં આવશે અને રાત્રે ૧૧:૩૦ કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે. ત્યાં રાસ ગરબા તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણમ્ મટુકી ફોડની સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી અને મહાઆરતી જેવા કાર્યક્રમ કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામ તેમજ બહાર ગામના ધર્મ પ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.