હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આજે 14 ઓગસ્ટના રોજ મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણ કરાયું હતું. જેમાં અજય લોરીયા દ્વારા 15,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. લોરિયાએ આજે 14 ઑગસ્ટના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સવારથી સાંજ સુધી સ્વતંત્રતા દિવસ પૂર્વે 15,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. આ અભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો તિરંગા મેળવીને આ રાષ્ટ્રભાવનાના ઉત્સવમાં જોડાઈ રહ્યા છે.