વાંકાનેર સીટી પોલીસ મથક ટીમે જીનપરા જકાત નાકા નજીક ચેકિંગ દરમ્યાન મહિન્દ્રા પીકઅપમાંથી ૨૫૦૦ લીટર કેફી પ્રવાહી દેશી દારૂ કબજે કર્યો હતો. આ સાથે પીકઅપ વાહનના ચાલકની અટક કરી તેની પાસેથી મોબાઈલ સહિત કુલ રૂ.૭.૦૫ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે દારૂ મોકલનાર અને મંગાવનાર બે અન્ય સાગરીતોને પોલીસે ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસની તજબીજ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાત નાકા નજીક પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરીમાં હોય ત્યારે મહિન્દ્રા કંપનીની પીકઅપ વાન રજી.નં.જીજે-૦૩-એઝેડ-૫૨૧૭ ત્યાંથી પસાર થતા, તેને રોકીને તપાસ કરતા તેમાં કેફી પ્રવાહી દેશી દારૂ લીટર ૨૫૦૦ કિ.રૂ.૫ લાખ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે પીકઅપ વાહન કિ.રૂ.૨ લાખ તથા એક મોબાઇલ ૭,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અરવિંદભાઈ વિરજીભાઈ કુવરીયા ઉવ.૨૭ રહે.ત્રાજપર મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં સામે આવ્યું કે, આરોપી વિરજીભાઈ કોળી રહે. રાજપરા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાએ ગેરકાયદેસર દારૂનો જથ્થો પીકઅપમાં ભરી આરોપી અમીત વરાણીયા રહે. ત્રાજપર વાળાને પહોંચાડવા માટે હાલ પકડાયેલ આરોપી અરવિંદભાઈને આ દેશી દારૂનો જથ્થો આપ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે