મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખાએ શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર લાઇટોના સમયસર સંચાલન માટે ટાઈમર અને કોન્ટેક્ટર સ્થાપિત કર્યા છે. આ પગલાથી ઊર્જા બચત, લાઇટોની આયુષ્યમાં વધારો અને માર્ગ પ્રકાશની સુવ્યવસ્થા સુનિશ્ચિત થશે.
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર માર્ગ પ્રકાશની યોગ્ય વ્યવસ્થા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના મહત્વના વિસ્તારોમાં લાઇટો દ્વારા પૂરતો પ્રકાશ મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવે, લાઇટો સમયસર ચાલુ-બંધ થાય અને તેમની કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે ટાઈમર અને કોન્ટેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થાથી લાઇટોનો અતિશય ઉપયોગ ટળાશે, તેમની આયુષ્યમાં વધારો થશે અને ઊર્જા બચત પણ થશે. હાલ જેલ ચોકમાં અંદાજિત ૭૦૦ લાઇટો, કેનાલ રોડ બોરિયાપાટીએ અંદાજિત ૬૦ લાઇટો, આલાપ સોસાયટીમાં અંદાજિત ૮૦૦ લાઇટો, જીઆઇડીસી શનાળા રોડ ખાતે અંદાજિત ૬૫૦ લાઇટો, એ.જે.કંપની રવાપર રોડ ઉપર અંદાજિત ૮૦૦ લાઇટો, પંચાસર રોડ રાજનગર કુળદેવી ડેરી પાસે અંદાજિત ૮૫૦ લાઇટો, રવાપર રોડ સુભાસ નગરમાં અંદાજિત ૮૫૦ લાઇટો, લાતી પ્લોટ કોલ સેન્ટરમાં અંદાજિત ૪૦૦ લાઇટો, એલ.ઈ.કોલેજ રોડ કેસર બાગ પાસે અંદાજિત ૭૦ લાઇટો, સરસ્વતી સોસાયટીમાં ૫૦૦ લાઇટો, સો ઓરડી પોસ્ટ ઑફિસ પાસે ૫૦૦ લાઇટો, પાવન પાર્કમાં ૪૦૦ લાઇટો, રામકૃષ્ણ નગરમાં અંદાજિત ૮૫૦ લાઇટો તથા લીલાપર રોડ ખડીયાવાસમાં ૮૫૦ લાઇટો સાથે ટાઈમર અને કોન્ટેક્ટર લગાવાયા છે.
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, આગામી સમયમાં મોરબી શહેરના બાકી રહેલા વિસ્તારોમાં અને જરૂરીયાત મુજબના તમામ સ્થળો પર પણ આ સિસ્ટમ અમલમાં મૂકી શહેરના માર્ગ પ્રકાશને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવાશે