મોરબી: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને પગલે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં મોરબી જીલ્લામાં પણ દોઢથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગઈકાલે મોરબી જીલ્લામાં હળવદમાં ૭૦ મીમી, મોરબીમાં ૩૬ મીમી સહિત તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
અરબી સમુદ્ર સહિત બંગાળની ખાડીમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ત્યારે શનિવારે તા. ૧૬ ઓગસ્ટે સવારથી વરસાદી માહોલ સાથે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. મોરબી શહેરમાં સાંજે ૬થી ૮ બે કલાક દરમિયાન ૩૬ મીમી એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદમાં સવારે ૬થી રાત્રે ૮ સુધીમાં ૭૦ મીમી, એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માળીયા(મી) ખાતે ૩૩ મીમી, વાંકાનેર ખાતે ૨૭ મીમી અને ટંકારામાં ૦૭ મીમી વરસાદ પડ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ અને ઝાપટાંથી લોકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી. બીજીબાજુ જીલ્લાભરમાં થયેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.