મોરબી: રાજકોટ-મોરબી હાઇવે ઉપર શનાળા ગામ નજીક શિશુ મંદિર સ્કૂલ નજીક રોડ ઉપર સ્પીડ બ્રેકર પાસે ફોર્ચ્યુનર કાર ધીમી કરતા પાછળથી આવતા ટ્રક ના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી આગળ જતી ફોર્ચ્યુનર કારને પાછળથી ટક્કર મારતા, કારમાં નુકસાની થયેલ હતી, જો કે, અકસ્માતના આ બનાવમાં કોઈને ઇજાઓ થઈ ન હતી. અકસ્માતને પગલે પોલીસને જાણ કરતા શહેર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, હાલ કાર ચાલકની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ એવન્યુ પાર્કમાં રહેતા દિલીપભાઈ રતીલાલભાઈ આદ્રોજા ઉવ.૫૧ ગઈકાલ તા.૧૬/૦૮ના રોજ પત્ની અને પુત્રી સાથે સાંજે રાજકોટથી મોરબી પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કાર રજી.નં. જીજે-૩૬-એસી-૦૧૩૨ માં પરત આવતા હતા ત્યારે શનાળા ગામ નજીક શિશુ મંદિર સ્કૂલ સામે રોડ ઉપર સ્પીડ બ્રેકર આવતા દિલીપભાઈએ પોતાની કારની સ્પીડ ધીમી કરી હતી, જે દરમિયાન પાછળથી આવતા ટાટા ટ્રક રજી. નં. જીજે-૧૨-બીઝેડ-૭૬૮૧ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેદરકારીભર્યું ચલાવી ફોર્ચ્યુનર કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં પાછળના ભાગે નુકસાની થઈ હતી, જો કે સદનસીબે કારમાં સવાર દિલીપભાઈ તેમજ તેમના પરિવારના સભ્યોને કોઈ ઇજા પહોંચી ન હતી. બનાવને પગલે કાર ચાલક દિલીપભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.