પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અંતર્ગત લાભાર્થીઓ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી માટે કેમ્પો યોજાશે. BLC ઘટક અંતર્ગત પાકા નવા મકાનના બાંધકામ માટે કુલ રૂ.૪લાખની સહાય કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી મળશે. આ કેમ્પો ૧૯થી ૨૧ ઓગસ્ટ દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ યોજાશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)ના બેનીફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટક અંતર્ગત લાભાર્થીઓની નોંધણી માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનામાં નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ ૩૦ થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર ધરાવતા ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમવાળા પાકા મકાન બાંધકામ માટે સહાય ઉપલબ્ધ છે. પ્રતિ આવાસ દીઠ કુલ રૂ.૪ લાખની સહાયમાંથી રૂ.૧.૫ લાખ કેન્દ્ર સરકાર તરફથી અને રૂ.૨.૫ લાખ રાજ્ય સરકાર તરફથી ચાર હપ્તામાં આપવામાં આવશે.
આ યોજનાનો લાભ તેઓ લઈ શકશે જેઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની છે, પોતાનું કાચું/અર્ધ કાચું/જર્જરિત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને ભારતભરમાં અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધો નથી તે આવાસ યોજનાનો લાભ લઇ શકે છે. જેમાં મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૪ની કચેરી (જૂની ભડિયાદ ગ્રામપંચાયત કચેરી) તા.૧૯ ઓગસ્ટ સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦, મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૪ની કચેરી (જૂની ત્રાજપર ગ્રામપંચાયત કચેરી) તા.૨૦ ઓગસ્ટ સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦ તથા સો-ઓરડી બાલમંદિર મોરબી તા.૨૧ ઓગસ્ટ સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦ મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે