મોરબીના વાવડી રોડ પર નાના વેપારીઓ પાસેથી મહાપાલિકા દ્વારા માસિક રૂ. ૧,૭૭૦/- વસૂલવામાં આવે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ ચાર્જને અયોગ્ય ગણાવી રૂ.૫૦૦ જેટલો ટોકન ચાર્જ વસૂલવાની માંગ કરી છે. આ અંગે મહાપાલિકા સમક્ષ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવશે.
મોરબી શહેરના વાવડી રોડ પર શાકભાજી વેચીને રોજિંદું જીવન જીવતા નાના વેપારીઓ પાસેથી મહાપાલિકા દ્વારા માસિક રૂ. ૧,૫૦૦/- વહીવટી ચાર્જ તથા રૂ. ૨૭૦/- જેટલો જીએસટી વસૂલવામાં આવે છે. આમ દર મહિને વેપારીઓએ કુલ રૂ. ૧,૭૭૦/- ચૂકવવાના બને છે. આ મુદ્દે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રોજનું કમાઈને જીવન જીવતા નાના વેપારીઓ માટે આટલો મોટો ચાર્જ ભારરૂપ છે અને વ્યાજબી નથી. મહાપાલિકાએ નાના વેપારીઓની પરિસ્થિતિને સમજવી જોઈએ અને તેમને રાહત આપવી જોઈએ. શહેર કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ માગણી કરી છે કે હાલની માસિક વસૂલાત રૂ. ૧,૭૭૦/-ના બદલે માત્ર રૂ. ૫૦૦/- જેટલો ટોકન ચાર્જ રાખવામાં આવે, જેથી નાના વેપારીઓને આર્થિક સહારો મળે. જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મોરબી શહેર કોંગ્રેસ આ મુદ્દે મહાપાલિકાને લેખિતમાં પણ રજૂઆત કરશે અને નાના વેપારીઓના હિતમાં અવાજ ઉઠાવશે