યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મેળાનું ભવ્ય આયોજન : મેળામાં ભજન, ભક્તિ, મનોરંજનનો ત્રિવેણી સંગમ સર્જાશે : ધારાસભ્ય સહિતના અગ્રણીઓના હસ્તે મેળાનું ઉદઘાટન
મોરબી:મોરબીમાં જન્માષ્ટમી નિમિતે બબ્બે ક્રિષ્ના લોકમેળાને લોકોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સૌરાષ્ટ્રની લોક સાંસ્કૃતિક અને ભાતીગળ પરંપરાને ઉજાગર કરતા આજથી બે દિવસીય શિવ તરંગ પૌરાણિક લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ લોકમેળો શિવ ભક્તિ,મનોરંજન અને પિતૃતર્પણનો ત્રિવેણી સંગમ છે. જેમાં શ્રાવણી અમાસ અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના સુવર્ણ અવસરે શિવભક્તિના કાર્યક્રમો તેમજ અમાસ નિમિતે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો શ્રધ્ધાળુઓ અહીં ઉમટી પડી પિતૃતર્પણ કરશે. સાથેસાથે ઉમંગ ઉલલ્લાસભેર મેળાની મનભરીને મોજ માણશે.
મોરબીમાં સામાજિક અને સેવાકીય કાર્યો થકી દેશભાવનાને ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે એટલે તા.22 અને તા.23 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે અને એ પણ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ સાથે વર્ષોથી ભરાતા મેળાને શિવ ભક્તિની સાથે લોકમનોરંજનનો હેતુ હોવાથી આ રફાળેશ્વર લોકમેળાને “શિવ તરંગ” નામ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, કારોબારી ચેરમેન જેન્તીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસજાળીયા, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જાંબુડિયા ગામના સરપંચ હંસાબેન રમેશભાઈ કણસાગરા તથા સદસ્ય તેમજ વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓના હસ્તે આજથી બે દિવસ માટે રફાળેશ્વરના લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ મેળામાં શિવ ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાઈ રહ્યા છે. અને આજે રાત્રે આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા.23ના રોજ મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર, સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથેસાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ શિવ તરંગ મેળો ભગવાન ભોળાનાથની ભક્તિની સાથે ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરતો લોકમેળો છે. રફાળેશ્વર મેળો સમગ્ર સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે. ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ એટલે રફાળેશ્વર મેળો. આ મેળામાં મહાદેવના દર્શન, રફાળેશ્વર મંદિરે આવેલા પ્રાચીન કુંડમાંથી પાણી ભરી પ્રાચીન પીપળે રેડવાથી પિતૃઓને મોક્ષ મળે અને સાથે મનોરંજન માણવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ત્યારે આજે મેળો ખુલ્લો મુકાતાની સાથે લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને આવતીકાલે અમાસના દિવસે ભગવાન ભોળાનાથના દર્શનની સાથે અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરીને પ્રાચીન પીપળે પિતૃતર્પણનું અનેરું મહત્વ હોવાથી સૌરાષ્ટ્રભરના લોકો અહીં ઉમટી પડશે અને આવતીકાલે અમાસના મેળામાં હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડવાની હોવાથી લોકોની સલામતીને ધ્યાને લઈને આજથી તાલુકા સહિતના પોલીસના સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.