હળવદ તાલુકાના લીલાપર(ચંદ્રગઢ) ગામ નજીક માર્ગ અક્ષણતના બનાવમાં ઇકો કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં તથા બેદરકારીથી ચલાવી રોડ ઉપર જઈ રહેલા બાઇકને સાઈડમાંથી ટક્કર મારતા, બાઇક સવાર બે પિતરાઈ ભાઈ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક યુવકને માથામાં હેમરેજ તથા હાથ-પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલા યુવકને દાઢીના ભાગે ટાંકા જેવી ઇજાઓ થઈ હતી.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા અનિલભાઈ વસંતભાઈ દેત્રોજા ઉવ.૨૪ ગઈ તા.૨૧/૦૭ ના રોજ બુટવડા ગામે તેમના બનેવીને ત્યાં લાઈટ ફિટિંગનું કામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે અનિલભાઈ અને તેમના મોટાબાપુના દીકરા સંજયભાઈ પીપળાથી બુટવડા પોતાના સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે-૧૩-એએલ-૧૯૩૪ ઉપર જઈ રહ્યા હોય તે દરમિયાન લીલાપર જવાના માર્ગે પહોચતા જ્યાં ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એજે-૩૦૭૩ ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડના ચલાવી આવી અનિલભાઇના મોટર સાયકલને જમણી બાજુથી ટક્કર મારતા ઇકો કાર આગળ જઈ પલ્ટી મારી ગઈ હતી, જ્યારે મોટર સાયકલ સવાર બન્ને ભાઈ રોડ ઉપર પટકાયા હતા. જેમાં મોટર સાયકલ ચાલક અનિલભાઈને માથાના ભાગે હેમરેજ અને હાથ-પગમાં ફ્રેકચર તેમજ પાછળ બેસેલ સંજયભાઈને દાઢીના ભાગે ઇજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મોટર સાયકલ ચાલક અનિલભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.