હળવદ તાલુકાના ચરાડવા ગામમાં મરી ગયેલા ગાયના વાછરડાને લઇ સરપંચ અને ગામના રહેવાસી વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં મૃત વાછરડાને સરપંચના ઘર પાસે નાખીને, બોલાચાલી બાદ ગામના રહેવાસીએ સરપંચ સહિત પરિવારને ભુડાબોલી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, ચરાડવા ગામના જુના વાસમાં રહેતા લક્ષ્મીબેન રતીલાલભાઈ પરમાર ઉવ.૬૫, જે છેલ્લા ચાર વર્ષથી ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે હળવદ પોલીસ મથકમાં આરોપી અનિલ હસમુખ ચૌહાણ રહે.ચરાડવા તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઇ તા.૨૧/૦૮ના રોજ સાંજે ગામમાં અનિલ હસુભાઈ ચૌહાણના ઘરની પાછળ એક ગાયનું વાછરડું મરી ગયાનું જાણવા મળ્યું હતું. લક્ષ્મીબેન પરમારે પોતાના દિકરા ગીરીશને ગ્રામ પંચાયતના ટ્રેક્ટર-ટ્રોલી સાથે મૃત વાછરડું ભરાવવા મોકલ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે ટ્રેક્ટર ખુચાઇ જતા વાછરડું તાત્કાલિક દાટવું શક્ય બન્યું નહોતું. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ લક્ષ્મીબેન, તેમની વહુ હંસા, કમુ અને પૌત્રી વૃદા ઘરે હાજર હતા ત્યારે આરોપી અનિલ ચૌહાણે મૃત વાછરડાને મોટર સાયકલ પાછળ દોરડાથી બાંધી ખેંચી લાવી સીધા તેમના ઘરના દરવાજા પાસે શેરીમાં નાખી દીધું હતું. આ અંગે સરપંચ પરિવાર અને આરોપી અનિલ ચૌહાણ વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયો. આ દરમિયાન અનિલ ચૌહાણે લક્ષ્મીબેન તથા પરિવારજનોને ભુડાબોલી ગાળો આપી અને “હવે ફરીવાર આવી બાબતે બોલશો તો જાનથી મારી નાખીશ” એમ કહી ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.