મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે બકાલાના થળા અને રસ્તા ઉપર જગ્યા લેવા બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા મામલો એકદમ ઉગ્ર બનતા બન્ને પક્ષો વચ્ચે મારામારી થતા, બંને પક્ષે એકબીજા ઉપર ઘાતક હથિયારોથી હુમલો કરતા બન્ને પક્ષોના સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા, સમગ્ર બનાવ અંગે બન્ને પક્ષની ફરિયાદને આધારે પોલીસે કુક ૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, તા. ૨૦/૦૮ના રોજ બપોરના અરસામાં રફાળેશ્વર ચોકડી ખાતે વેપારી મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા ઉવ.૪૫ રહે. મૂળ રફાળેશ્વર, હાલ મોરબી વાવડી રોડ મારુતિ સોસાયટી વાળા પોતાના દીકરા વિશાલ અને વિકાસ સાથે શાકભાજી ફુટના ધંધે હતા. તે સમયે ગામના લીલાભાઈ ખેંગારભાઈ ગમારા ઉવ.૫૮ રહે. રફાળેશ્વર ભરવાડપરા વાળા મોટરસાઈકલ લઈને પંચરની દુકાન પાસે આવ્યા હતા. અહીં બકાલાના થળાને લઈ મુકેશભાઈ સાથે બોલાચાલી શરૂ થઈ. બંને પક્ષે એકબીજાને ગાળો આપીને ઝપાઝપી બાદ મારામારી શરૂ થઈ હતી.
જેમાં ફરિયાદી લીલાભાઈની ફરિયાદ મુજબ આરોપી મુકેશભાઈ અને તેમના દીકરાઓ વિશાલ-વિકાસે છરી અને પાઈપ વડે હુમલો કરી તેના ભત્રીજા રાજુભાઈ અને બાબુભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બંને હાલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે, જેમાં બાબુભાઈની તબીયત ગંભીર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. જ્યારે મુકેશભાઈની ફરિયાદ મુજબ, લીલાભાઈ ગમારા અને તેમના ભત્રીજાઓ રાજુભાઈ, બાબુભાઈ તથા મગનબાપાએ તલવાર અને મુંઢમારથી હુમલો કરી મુકેશભાઈ તેમજ તેના દીકરા વિકાસ અને વિશાલને ઈજાઓ કરી હતી. વિકાસને જમણા સાથળે ગંભીર ઈજા થવાને કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજાને ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે તાલુકા પોલીસે બંને પક્ષના કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.