માળીયા(મી)- હળવદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે પુરઝડપે ચલાવીને આવતા ડબલ સવારી મોટર સાયકલ સ્લીપ થવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં મોટર સાયકલના ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલ યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના રીયા જિલ્લાના બડેગામના વતની હાલ અણીયારી ચોકડી નજીક મામા લેમીનેટની લેબર ઓરડીમાં રહેતા બબલેશ સિવરત રાવત ઉવ.૨૮ અને તેમના ગામનો યુવક વિકાસસેન રામજસસેન નાઈ ગઈ તા.૨૧/૦૮ના રોજ સવારે તેમના કોન્ટ્રાક્ટરનું મોટર સાયકલ જીજે-૩૬-એએન-૭૪૬૧ લઈને શાકભાજી લેવા જતા હતા, ત્યારે આ મોટર સાયકલ વિકાસસેન ચલાવતો હોય, મોટર સાયકલ હળવદ-માળીયા હાઇવે ઉપર ફૂલ સ્પીડમાં ચલાવીને જતા હોય તે દરમિયાન વાધરવા ગામના પાટીયાથી ભીમસર ચોકડી વચ્ચે હોટલ રુદ્ર પ્લાઝાની સામે ઓવર સ્પીડને કારણે મોટર સાયકલ ઉપર કાબુ ગુમાવતા, તે સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં મોટર સાયકલ ઢસડાતા, મોટર સાયકલ ચાલક વિકાસસેન રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાયો હતો. જેથી વિકાસસેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ બબલેશને હાથમાં અને પગમાં ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે મૃતક મોટર સાયકલ ચાલક આરોપી વિકાસસેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.