મોરબી તાલુકાના જૂના જાબુડીયા રોડ પર ટેઈલર ટ્રકની ટક્કરે મોટર સાયકલ ચાલક એવા ૬૨ વર્ષીય શ્રમિકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં મોટર સાયકલ ચાલકના હાથ ઉપર ટેઈલર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતા, ડાબો હાથ કોણી ઉપરથી કપાઈ ગયો હતો. ઘટનાને પગલે મોટર સાયકલ ચાલકની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટેઇલર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો મુજબ, ગત તા. ૧૩/૦૮ના ફરીયાદી શિવલાલ વસતાભાઈ બોસીયા ઉવ.૬૨ રહે. કાલીકાનગર તા. મોરબી વાળા પોતાનું હોન્ડા સાઈન બાઈક રજી. નં. જીજે-૩૬-એડી-૧૦૩૭ લઈને જૂના જાબુડીયા રોડથી કાલીકાનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન ટેઈલર ટ્રક આરજે-૦૭-જીડી-૯૯૧૨ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક અને પુરઝડપે ચલાવી ફરીયાદીના બાઈક સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરીયાદી બાઈક સાથે પડી ગયા હતા અને તેમનો ડાબો હાથ ટ્રકના વ્હીલ નીચે આવી જતાં કોણી ઉપરથી કપાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને મોરબી તાલુકા પોલીસે આરોપી ટેઇલર ટ્રક ચાલક વિરુદ્ધ બી.એન.એસ. એક્ટ તથા એમ.વી. એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો ન9નધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે