મોરબી શહેરના માધાપરા વિસ્તારમાં ઘરના ફળીયામાં ગાયો દોહવા ગયેલા વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના માધાપરા શેરી નં. ૧૭, કપીલા હનુમાન પાસે રહેતા કાલુભા ગોવિંદભાઈ ગુઢડા ઉવ.૫૩ ગઈકાલ તા.૨૪/૦૮ના રોજ પોતાના ઘરે ફળીયામાં બાંધેલી ગાયોને દોહવા માટે ગયા હતા. તે સમયે ફળીયાની દિવાલ પર લગાવેલા ઇલેક્ટ્રિક બોર્ડને અડતાં તેમને કરંટ લાગ્યો હતો. કરંટ વાગવાથી કાલુભાના શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ત્યારે તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે