ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારાના જીવતીબેન પીપલીયાનો કાવ્ય લેખનમાં પ્રથમ નંબર આવતા ટંકારાવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ બહાર આવે, એમનામાં રહેલા કલા-કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગાયન, વાદન, લેખન સિવાય અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન બચુભાઈ પીપલીયાએ સાહિત્ય લેખન અંતર્ગત કાવ્યલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તેમને આ સિદ્ધિને બિરદાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી- ટંકારા દ્વારા જીવતીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને એમની ઉત્તરોતર ખૂબ જ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે