મોરબી જીલ્લાના રામકૃષ્ણનગરમાં રહેતા એક વૃધ્ધને ચારેક મહિના પહેલા પાંચ જેટલા શખ્સોએ જૂની અદાવતમાં માથાકૂટ કરી જીવતા સળગી દેતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.તેમજ આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષનાં વકીલની ધારદાર દલીલોને આધારે મોરબી સેસન્સ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં ગત તા. ૧૦/૦૪/૨૫ ના રોજ હત્યાની ફરિયાદ દાખલ કરાવતા વૃદ્ધાએ જણાવ્યું હતું કે, તેમના દીકરા સાથે શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલકીયા અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે બંને ઈસમોએ ફરીયાદીના ધરે આવી ફરીયાદીના દીકરા નવધણના પેટમાં મુકકા મારી મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. જે બાદ ફરીયાદીના દીકરા કારુભાઈનુ મોટર સાઈકલ સ્લીપ થતાં પગમાં ઈજા થતાં સારવારમાં લઈ જતાં હતાં તે સમયે પણ બંને આરોપીઓએ બોલાચાલી કરી બીભત્સ ગાળો આપી તેમજ મૃતક વૃધ્ધ મનુભાઈને સારવારમાં દાખલ કરેલ ત્યાં જઈ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા, વીમલભાઈ નથભાઈ કામલીયા તથા અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલાએ ફરી વખત હોસ્પીટલ જઈ માથાકુટ કરી ફરીયાદીને કહેલ કે તારા ધરે જઈ જોઈ લે તેમ કહી આરોપીઓએ ફરીયાદીના ધરે જઈ ફરીયાદીના પતીને નવધણ બાબતે પુછપરછ કરતાં નવધણ ધરે હાજર નહી હોવાથી ફરીયાદીના પતીને બહાર શેરીમાં ચંપલની લારીને આગ લગાડેલ તેની પાસે ધકકો મારી દેતાં ફરીયાદીના પતી મનુભાઈ દાજી જતાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ કેસમાં પોલીસ દ્વારા પાંચેય આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવી હતી. જે તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવ્યા છે. અને આ મૃતકના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપ્યું નથી.તેમજ ફરીયાદ પક્ષ એ બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયા છે અને આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયા છે.જેથી આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ વિવેકભાઈ કે. વરસડાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે