વાંકાનેર શહેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક દ્વારા વિદ્યાર્થીને માર મારવા તથા જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો વાપર્યા અંગેના આક્ષેપો સાથે ભોગ બનનાર સગીરના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સ્કૂલ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવતા, પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર માં રહેતા વાલીએ જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા (રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, તેમનો ૧૫ વર્ષીય દીકરો ધોરણ ૧૦માં જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરે છે. શાળામાંથી રજા બાદ તે સ્ટેચ્યુ ચોક નજીક આવેલ દુકાન પર નાસ્તો કરી રહ્યો હતો ત્યારે સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા ત્યાં પહોંચ્યા હતા.ત્યાં આરોપીએ વિધાર્થીને જાતિ પ્રત્યે અપમાનિત કરી ”તમે ભણવાને લાયક નથી” તેમ કહી, પેટના નીચેના ભાગે જોરદાર પાટુ માર્યું હતું. જે બાદ આરોપી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. પેડુમાં મૂંઢ ઇજાને કારણે વિધાર્થીને ચક્કર આવી જતા થોડા સમય માટે તે જમીન પર બેસી ગયો હતો.બાદમાં તે ઘરે પરત ફરીને ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી.ત્યારે ફરિયાદી તરત જ પોતાના દીકરાને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.