મોરબી જીલ્લામાં ગઈકાલ એક જ દિવસમાં અપમૃત્યુ અંગેના અલગ અલગ સ્થળોએ ચાર જેટલા બનાવો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ચાર જુદા જુદા બનાવોમાં ચાર યુવાનોના મોત થયા છે. જેમાં કોઈ અગમ્ય કારણસર આગમાં સળગી જવાથી, ન્હાવા જતા ડૂબી જવાથી, તો ઝેરી દવા પી જવાથી અકાળે મૃત્યુને ભેટ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામ બનાવોમાં અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં અગમ્ય કારણસર આગમાં મોત જેમાં મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન હદમાં ૩૫ વર્ષીય બોબી બાલકૃષ્ણ જાટ પોતાના મોરબી શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા ઘરમાં અગમ્ય કારણોસર આગમાં સળગેલા હાલતમાં મૃત હાલતમાં મળ્યા હતા. પરિવારજનોની જાણ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામાં સહિતની કાર્યવાહી કરીને અ.મોતની નોંધ દાખલ કરી છે.
અપમૃત્યુના બીજા બનાવમાં ચેકડેમમાં ડૂબી જતાં યુવકનું મોત નીપજ્યું હોય જે અંગે મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ ફુલકી નદીના ચેકડેમમાં ૩૪ વર્ષીય અમરસિંહભાઈ ગોરધનભાઈ રાઠવા ન્હાવા ગયા હતા. તે સમયે પગ લપસતાં પાણીમાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
ત્રીજા અપમૃત્યુના બનાવમાં ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ થયું હોવાની મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના ૨૮ વર્ષીય મનવીરભાઈ બાબુભાઈ ધોરીયાએ પોતાની વાડીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેમને કુવાડવા ખાતે પ્રાથમિક સારવાર બાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવમાં સીરામીક ફેક્ટરીમાં સગરમીકના આપઘાત અંગેના બનાવ અંગે પ્રાપ્ત વિસ્તૃત વિગતો અનુસાર, હળવદ તાલુકાના ડુંગરપુર ગામના ૨૭ વર્ષીય વિજયભાઈ કરમશીભાઈ જખવાડીયા, જે રાતાવિરડા ગામની સીમમાં આવેલી અવલ્ટા સીરામીકમાં કામ કરતા હતા, તેમણે અગમ્ય કારણસર ઝેરી દવા કે એસીડ પી લેતા તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.