મોરબી શહેરના નવલખી ફાટક નજીક ઝુપડપટ્ટીમાં કુટુંબ વચ્ચેના વિવાદને પગલે યુવકની છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. ઘટનામાં યુવકના પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે બે મહિલા સહિત કુલ ૬ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરના નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની બાજુએ આવેલા ઝૂંપડામાં બે કુટુંબ વચ્ચે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો. ફરિયાદી નરશીભાઈ જીવાભાઈ પરમાર દ્વારા જણાવ્યા મુજબ, લગભગ બે મહિના અગાઉ આરોપી શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમારએ તેમની જ નાતના યુવક રાણીંગભાઈ હીરાભાઈ વાઘેલા દેવીપુજકની દીકરીને ભગાડી લાવી હતી. આ અંગે વારંવાર સમાધાન કરાવવા દબાણ થતું હતું, પરંતુ ફરિયાદી પરિવાર દ્વારા વાત ન માનતા જેનો ખાર રાખવામાં આવ્યો હતો.
ગઈકાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ ફરિયાદીના ઝૂંપડાની બહાર વિજય ગુણાભાઈ પરમાર, શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને સનીભાઈ જંજવાડીયા આવી હુમલો કર્યો હતો. આ દરમિયાન વિજયે ફરિયાદી નરશીભાઈ પરમાર પર લાકડી વડે હુમલો કર્યો. ત્યારબાદ શંકર ઉર્ફે ચકુએ છરી વડે રમેશ ગભાભાઈ પરમાર પર હુમલો કરી ડાબા ખભા પાસે ઘા ઝીંક્યા. રમેશ લોહીલુહાણ હાલતમાં પડી ગયો. તેને બચાવવા આવેલ ગભાભાઈ જીવાભાઈ પરમાર પર પણ છરી, લાકડી અને ધારીયા વડે હુમલો કરાયો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ રમેશ પરમારને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગભાભાઈ જીવાભાઈને ગંભીર ઈજાને કારણે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે આરોપી વિજય ગુણાભાઈ પરમાર, શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને સનીભાઈ જંજવાડીયા સામે હત્યા સહિતના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.