કોરોના કાળ બાદ માળીયા મિયાણા રેલવે સ્ટેશન પર અનેક પેસેન્જર ટ્રેનનું સ્ટોપેજ રદ્દ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજ રોજ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી માળીયા મિયાણા જમાત દ્વારા માળીયા મીયાણા રેલ્વે પોલીસને પત્ર લખી માળીયા મિયાણા રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન રોકવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં તેઓએ 9 સપ્ટેમ્બર સુધીમાં જો તેમની માંગ સ્વીકારવામાં નહિ આવે તો ધરણા પ્રદર્શન અને રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી માળીયા મિયાણા જમાત દ્વારા માળીયા મીયાણા રેલ્વે પોલીસને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, માર્ચ ૨૦૨૦ માં કોવિડ લોકડાઉન પહેલા, બધી પેસેન્જર ટ્રેનો માળીયા મિયાણા રેલ્વે સ્ટેશન જંકશન પર સ્ટોપેજ ધરાવતી હતી, પરંતુ લોકડાઉન પછી, આજ સુધી, ભુજ અને બરેલી સિવાય કોઈ પણ પેસેન્જર ટ્રેન સ્ટોપેજ ધરાવતી નથી, જેના કારણે સ્થાનિકોની આજીવિકા, શિક્ષણ અને આરોગ્ય પર ભારે અસર પડી રહી છે. સુન્ની મુસ્લિમ જમાતના ઘણા લોકોને આજીવિકા, વ્યવસાય, આરોગ્ય અને શિક્ષણ માટે અમદાવાદ, સુરત, મુંબઈ, ભુજ, ગાંધીધામ અને અજમેર જેવા સ્થળોએ જવું પડે છે. માળીયા મિયાણા રેલ્વે સ્ટેશન એક જંકશન છે. જ્યાંથી 40 પેસેન્જર ટ્રેનો દોડે છે. આ ૪૦ ટ્રેનોમાંથી, ફક્ત એક જ ટ્રેન નંબર ૧૪૩ ૧૨ બરેલી, ભુજ, ઉભી રહે છે. અન્ય ૩૯ ટ્રેનોમાંથી કોઈ પણ સ્ટોપેજ ધરાવતી નથી, જે તેઓના મૂળભૂત અધિકારો, આજીવિકા, શિક્ષણ, આરોગ્ય અને ગૌરવપૂર્ણ જીવન સાથે સંબંધિત છે, જેનો ભારતીય બંધારણની કલમ ૨૧ લોકોને અધિકાર આપે છે. ૩૯ ટ્રેનોમાંથી માળીયા મી.વાસીઓને ફક્ત પાંચ ટ્રેનોના સ્ટોપેજની જરૂર છે, બે જવા માટે અને ત્રણ પાછા આવવા માટે. વંદે ભારત ટ્રેન નંબર ૯૪૮૦૨ અને ૯૪૮૦૧ આલા હઝરત ટ્રેન નંબર ૧૪૩૧૧ કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર ૨૨૯૫૫ અને ટ્રેન નંબર ૨૨૯૫૬. આ બાબતે સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી માળીયા મિયાણા જમાત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ અરજી પર ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી 9 સપ્ટેમ્બર 2025 પહેલા આ રજૂઆતને ધ્યાને લેવા માંગ કરવામાં આવી છે. અને જો એવું કરવામાં નહિ આવે તો 500 થી 1000 લોકો. 9 સપ્ટેમ્બર 2025, 10 સપ્ટેમ્બર 2025 અને 11 સપ્ટેમ્બર 2025 આ ત્રણ દિવસ, ભારતીય બંધારણની કલમ 19 (1) (b) હેઠળ માળીયા મિયાણા રેલ્વે સ્ટેશન સામે શાંતિપૂર્ણ અને અહિંસક ધરણા કરીશે અને 12 સપ્ટેમ્બર 2025 ના રોજ,માળીયા મિયાણા રેલ્વે સ્ટેશનથી ઉપડતી બધી ટ્રેનોને શાંતિપૂર્ણ અને અહિંસક રીતે બંધ કરીશે. ત્યારે આ રજૂઆતને યોગ્ય ન્યાય આપવા માંગ કરવામાં આવી છે.