ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન નિષ્ણાત રમેશ બસીયાની આગાહી મુજબ, આજ સાંજથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. મિડલેવલમાં ભેજનું પ્રમાણ સૌરાષ્ટ બાજુ વધી રહ્યું છે. જેથી વરસાદી માહોલ સર્જાશે.
ગુજરાતમાં ચોમાસાની સીઝન હજુ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ટંકારા તાલુકાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસીયાએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં વેલમાર્ક લોપ્રેસર સિસ્ટમ પશ્ચિમ ઉતર તરફથી અરબી સમુદ્ર તરફ આગળ વધતા સૌરાષ્ટ્રમાં સિસ્ટમ ટ્રફ લાગું થતો હોય આજે ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સાંજથી આગામી ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. હવે, મિડલેવલમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પુરી સંભાવના જોવાઈ રહી છે. જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિતના આ વિસ્તારોમાં આજ સાંજથી આગામી ૩-૪ દિવસ સુધી સારા વરસાદની શક્યતા છે. તદ્ઉપરાંત મોરબી રાજકોટ જામનગરના જીલ્લામાં પણ આની સિધ્ધી અસર જોવા મળશે. જેના કારણે વરસાદી ઝાપટાં હળવા થી મધ્યમ વરસાદ ચાલુ રહશે.