મોરબી શહેરમાં ગણેશ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. ઠેર ઠેર રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક નાના મોટા પંડાલોમાં 10 દિવસ સુધી બાપાની આરાધના કરવામાં આવશે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન લોકોને અગવડતા ન પડે તે માટે મોરબી મનપા દ્વારા ગણેશજીની મૂર્તિના કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
મોરબી શહેરમાં દર વર્ષે જુદી-જુદી જગ્યાએ લોકો દ્વારા વ્યક્તિગત અથવા જાહેર સ્થળોએ ગણપતિની સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સ્થાપના બાદ ધાર્મિક માન્યતા અનુસાર અમુક દિવસો બાદ ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મોરબી મનપા દ્વારા દર વર્ષે ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવા માટે લોકોની જાહેર સલામતીને ધ્યાને લઇ યોગ્ય વ્યવસ્થા કરી સુચારુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા.૩૧/૦૮/૨૦૨૫ રવિવાર, ૦૨/૦૯/૨૦૨૫ મંગળવાર, ૦૪/૦૯/૨૦૨૦૫ ગુરુવાર અને તા.૦૬/૦૯/૨૦૨૫ શનિવાર સુધી ગણેશજીની મૂર્તિનાં વિસર્જન માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૮ ફૂટ થી વધારે ઊંચી મૂર્તિઓ માટે કલેક્શન(વિસર્જન) સેન્ટર પીકનીક સેન્ટર, શોભેશ્વર રોડ ખાતે તેમજ ૮ ફૂટ કે તેથી ઓછી ઊંચાઈની મૂર્તિઓના કલેક્શન(વિસર્જન) સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી; પોલીસ પરેડ ગ્રાઉન્ડ,જેલ રોડ, મોરબી; એમ .પી. શેઠ ગર્લ્સ હાઈ સ્કુલ તથા એલ.ઈ.કોલેજ, ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી-2 આ ૪ સ્થળોએ જ ઉપર દર્શાવેલ તારીખો દરમિયાન સવારે ૧૦ થી રાત્રે 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિ એકઠી કરવાનું મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેથી આસપાસના નગરજનોએ ગણેશજીની મૂર્તિના કલેકશન સેન્ટર ખાતે મુર્તિઓ આપવા મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અન્ય કોઈ નાલા/નદી કે કોઈ અન્ય જગ્યાએ મૂર્તિ વિર્સજન કરવું નહિ તેમજ મૂર્તિ જમા કરાવતા પહેલા મૂર્તિના કલેકશન સેન્ટર ખાતે મોરબી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ અધિકારીને મોબાઈલ નંબર પર જાણ કરવાની રહેશે.