વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર પ્રિયા ગોલ્ડ સિરામીક કારખાના પાસે અકસ્માતની ઘટનામાં ટ્રક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર કૌંટુંબીક કાકા-ભત્રીજાના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી નદી ગયો હતો.
મળતી માહિતી મુજબ, લક્ષ્મીનગર મોરબીના રહેવાસી રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા અને તેમના કૌટુંબીક કાકા પ્રેમજીભાઈ સ્પ્લેન્ડર મોટરસાઈકલ રજી.નં. જીજે-૩૬-એએમ-૮૯૫૭ ઉપર તરણેતર મેળામાંથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારના સાડા સાત વાગ્યે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલ પ્રિયા ગોલ્ડ સિરામીક કારખાના પાસે ટ્રક કન્ટેનર રજી.નં. જીજે-૧૨-એઝેડ-૩૨૭૦ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંનેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ બંનેના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતક રમેશભાઈના ભાઈ રાજેશભાઇ ભંખોડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.