મોરબી અને ટંકારામાં અપમૃત્યુના અલગ-અલગ ત્રણ બનાવોમાં ટંકારા ખાતે વૃદ્ધા બેભાન થઇ જતાં મૃત્યુ પામ્યા, જ્યારે સોખડામાં યુવકે ઝેરી દવા પી લીધી હતી. મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં એક વ્યક્તિ મચ્છુ-૦૩ ડેમમાં પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. ત્રણેય બનાવમાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુનો બનાવ ટંકારામાં બન્યો હતો. અહીં લતીપર રોડ પર ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા જવીબેન ધારાભાઇ ઝાપડા ઉવ.૯૦ પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ગયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફરજ પરના ડોક્ટરે તેમના વિશેરા લીધા હોવાથી મોતનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી.
બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઇ કાનજીભાઇ સુરેલા ઉવ.૧૮ નામના યુવકે તા. ૧૬ ઓગસ્ટે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક મંગલમ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
અપમૃત્યુના ત્રીજો બનાવ મોરબી મહેન્દ્રનગર વિસ્તારમાં નોંધાયો હતો. અહીં રહેતા નિલેશભાઇ નરશીભાઇ મેવા ઉવ.૪૧ ગઈકાલ તા.૩૦/૦૮ના રોજ મચ્છુ-૦૩ ડેમમાં પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. મૃતકની લાશ પાણીમાંથી બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
અપમૃત્યુના ત્રણેય બનાવ અંગે ટંકારા પોલીસ તથા મોરબી તાલુકા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.