ટંકારા તાલુકાના વાછકપર ગામે ગૃહ કંકાસમાં પરિવારનો માળો વિખાયો છે, જેમાં માતા-પિતા વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી ઝઘડાનું લાગી આવતા માતાએ ગુસ્સામાં આવી ઝેરી દવા પી લીધી હતી, જેને જોઈ પુત્ર હરદેવભાઈ સાકરીયા અને પુત્રી આરવીએ પણ દવા પી લીધી હતી. ત્યારે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પુત્ર હરદેવભાઈનું મોત થયું છે, જ્યારે માતા અને પુત્રીની હાલત ગંભીર છે.
ટંકારા તાલુકાના વાછકપર ગામે ઘરમાં ચાલતા પારિવારિક ઝઘડા બાદ બનેલ હૃદયદ્રાવક બનાવ બાબતે નાના એવા વાછકપર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવ બાબતે મળતી વિગતો મુજબ, મરણજનાર હરદેવભાઈ હિરાલાલ સાકરીયા ઉવ.૧૫ રહે. વાછકપર ગામ વાળાના માતા-પિતા વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં માતા કૃપાલીબેનને મનોમન લાગી આવતા તેમણે ગુસ્સામાં આવી ઝેરી દવા પી લીધી હતી. માતાને આ રીતે દવા પીતા જોઈ પુત્ર હરદેવભાઈ તથા પુત્રી આરવીએ પણ પોતાની રીતે ઝેરી દવા પી દીધી હતી. ત્યારે પરિવારના સભ્યોએ તાત્કાલિક ત્રણેયને સારવાર માટે પ્રથમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારી સારવાર માટે સીનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે પુત્ર હરદેવભાઈનું મોત નિપજ્યા અંગે જાહેર કર્યું હતું. જ્યારે માતા કૃપાલીબેન અને પુત્રી આરવીની હાલત હજુ ગંભીર છે અને સારવાર હેઠળ છે. ઉપરોક્ત મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.