મોરબી શહેરના રામધન આશ્રમ સામે રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે, જેમાં લગ્નને ૧૭ વર્ષ થવા છતાં કોઈ સંતાન નહિ થતા મહિલાએ જીવનનો અંત લાવી લીધો હતો. બનાવની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટીમાં રામેશ્વર એપાર્ટમેન્ટ બલોક નં-૩૦૧ માં રહેતા અલ્પાબેન સુરેશભાઈ રતીભાઈ ઘનાણી ઉવ.૩૬ એ તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પોતાના રહેણાંકમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોએ આ ઘટના અંગે તરત જ જાણ કરી હતી. બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ફરજ પરના તબીબે તપાસ કરતાં અલ્પાબેનને મૃત જાહેર કર્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલ્પાબેનના લગ્નને આશરે ૧૭ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો, છતાં સંતાન ન થવાને કારણે તેઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા, જેને કારણે તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.