મોરબી સહિત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આજે આપણી શાળા, આપણું સ્વાભિમાન અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં શાળાએ તીર્થધામ બને તે માટે મોરબીની સરકારી શાળાઓમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પૂર્વ મંત્રીની પ્રેરક ઉપસ્થિતમાં હમારા વિદ્યાલય કાર્યક્રમ યોજાયો હતો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં “આપણી શાળા-આપણું સ્વાભિમાન”નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવી છે, આ તકે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો, આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાળા જીવનને ગુણવત્તા સભર, પ્રેરણાદાયી અને રાષ્ટ્રીય હિતમય બનાવવા માટેનો જીવંત દસ્તાવેજ છે, શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ, શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના અને સમભાવથી શીખવા – શીખવવાની પ્રતિબદ્ધતા આ બધું શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે.
શિક્ષકને જ્ઞાનના સ્ત્રોત સાથે સાથે ચારિત્ર્ય નિર્માણ અને સમાજ સેવાના પ્રેરક તરીકે માન્યતા આપવી, તેમજ શાળાને સંસ્કાર અને સમર્પણનું તીર્થ ગણાવી તેનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહેવાની ભાવનાએ આપણાં શિક્ષણતંત્રની આત્મા છે, આ વિશ્વાસને આ સંકલ્પ સૌના વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય વિકાસના માર્ગે દ્રઢપણે આગળ વધવા પ્રેરિત કરશે, રાષ્ટ્ર નિર્માણનો સાચો આધાર આધાર શિક્ષણ છે,અને આ અભિયાન એ દિશામાં એક પ્રેરણાદાયી પગલું છે. ત્યારે આજે બંને શાળાના 800 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે માધાપરવાડી શાળાના બાળકોનો CET, CGMS, NMMS તેમજ PSE પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપેલ પ્રમાણપત્ર બ્રિજેશભાઈ મેરજાએ શાળાના શિક્ષકોને અર્પણ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતો કરી હતી.