મોરબી જીલ્લામાં ૨ સપ્ટેમ્બરે ચાર અલગ અલગ બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં શહેરમાં વૃદ્ધે ઘેનની ગોળી ખાઈ આત્મહત્યા કરી, બીજા બનાવમાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, ત્રીજા અપમૃત્યુના બનાવમાં એક ખેડૂત જંતુનાશક દવાની અસરથી જીવ ગુમાવ્યો. તમામ બનાવો અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લામાં મંગળવારે ચાર અલગ અલગ અપમૃત્યુના બનાવોની નોંધ પોલીસ દફતરે થઈ હતી. જેમાં ચાર વ્યક્તિઓનાં મોત થયા હોવાની વિગતો સામે આવી છે. પ્રથમ બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. જેમાં મૃતક ભુદરભાઈ છગનભાઈ ફુલતરીયા ઉવ. ૬૦ રહે. શકત શનાળા કુંભાર માટલાવાળી શેરી મોરબી વાળાએ પોતાના ઘરે ઘેનની ગોળીનું વધુ માત્રામાં સેવન કરી લેવાથી તેમની તબિયત બગડતાં તેમને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
બીજો બનાવ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો. મૃતક સંદિપકુમાર તુલસીભાઈ ઉવ.૨૧ રહે. લેબર ક્વાર્ટર, ઉંચીમાંડલ, આઇબીસ સ્માર્ટ મારબલ કંપની વાળાએ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાવામાં આવ્યો હતો.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ઈંગ્લીશ સીરામીકમાં રહેતા વિશ્રરામસિંહ અલીસિંહ ઠાકોર ઉવ.૩૫ એ ખોખરા હનુમાન પાછળના વિસ્તારમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ તેમની પત્ની દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચોથો બનાવ માળીયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો. જેમાં મૃતક હશમુખભાઈ જેનીયાભાઈ નાયકા ઉવ.૩૧ મૂળ રહે. જોજ ગામ, છોટાઉદેપુર, હાલ રહે. જુના ઘાંટીલા ગામ તા.માળીયા(મી) વાળા ખેતરમાં કપાસ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરતાં હતા તે દરમિયાન ઝેરી અસર થવાથી હશમુખભાઈની તબિયત બગડતાં પ્રથમ જેતપર સરકારી હોસ્પિટલ અને બાદમાં મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
ઉપરોક્ત ચારેય અપમૃત્યુના બનાવ અંગે મોરબી જીલ્લા પોલીસ દ્વારા અ.મોત રજીસ્ટર કરીને તપાસની તજવીજ હાથ ધરી છે.









