મોરબી તાલુકા પોલીસ મથકે એક જ દિવસે બે જુદા જુદા અપમૃત્યુના બનાવો નોંધાયા છે. જેમાં ૪૦ વર્ષીય પુરુષે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં ૪૨ વર્ષીય વ્યક્તિએ ઘરમાં જ દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હાલ બંને મૃતદેહો મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં, બગથળા ગામે બબીકાનગર વાડી સીમ વિસ્તારમાં રહેતા વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા ઉવ.૪૦ એ કોઈ અકળ કારણોસર કપાસમાં છાટવાની દવા પી જીવન ટૂંકાવ્યું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં, નવી પીપળી ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ પ્રવિણભાઈ રાજોડીયા ઉવ.૪૨ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પરિવારજનો દ્વારા મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.