મોરબીના પાટીદાર યુવકે રૂપિયાની લેતી દેતી, વ્યાજખોરી અને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની આપેલ ધમકી સબબ પાંચ જેટલા ઈસમો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર યુવકને ગેરકાયદે ગોંધી રાખી ગાળો આપી ઢીકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો તથા બે મોબાઇલ પણ પડાવી લીધા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી પાંચ આરોપી પૈકી બેની અટકાયત કરી છે.
મોરબી શહેરના સત્કાર રેસીડેંસીમાં રહેતા ૨૦ વર્ષીય પાટીદાર યુવક પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલિયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે આરોપી શક્તિભાઈ મહેશભાઈ ગજીયા (ઉવ.૩૦ રહે. સામાકાઠે રામકૃષ્ણ નગર મોરબી-૨), મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ આયદાનભાઈ સવસેટા (ઉવ.૩૨ રહે.મોરબી), કાનભા ગઢવી (રહે. હંજીયાસર તા. માળીયા(મી), યુવરાજ ગઢવી (રહે. હજનાળી ગામ તા. માળીયા(મી) તથા જગદીશભાઈ સાધાભાઈ સવસેટા (રહે.મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, છેલ્લા દોઢ-બે વર્ષથી તે આરોપી શક્તિભાઈ મહેશભાઈ ગજીયા પાસેથી વ્યાજે રૂપિયા લઈ સમયસર પરત આપતો હતો. પરંતુ તાજેતરમાં શક્તિ ગજીયાએ વ્યાજના રૂપિયા તેમજ પાર્થને ફેરવવા આપેલ કારના હપ્તા ચડી ગયા હોવાથી સિઝર દ્વારા કાર સિઝ કરીને લઈ જતા જે મામલે પાર્થ પાસેથી ત્રણ લાખથી સાત લાખ સુધીની માગણી કરી હતી, જે પૈસા ન આપતા પાર્થને ગાડીમાં બેસાડી વાવડી ગામના ભૂમિ ટાવર નજીક લઈ જઈ બેફામ માર માર્યો હતો. આ દરમિયાન આરોપી કાનભા ગઢવી, યુવરાજ ગઢવી, મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ સવસેટા તથા જગદીશભાઈ સવસેટાએ પણ પાર્થભાઈને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો તથા “જાનથી મારી કેનાલમાં નાખી દેવાની” ધમકી અપાઈ હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, મારકૂટ દરમ્યાન આરોપી શક્તિ ગજીયાએ પાર્થભાઈનો એપલ ૧૩ પ્રો મોબાઇલ તથા આરોપી કાનભાએ રીઅલમી C-35 ફોન બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. જે બાદમાં પાર્થભાઈને મોંઘો સેમસંગ S25 અલ્ટ્રા ફોન ખરીદ કરી આપવા માટે દુકાન સુધી લઈ જવામાં આવ્યો હતો. હાલ પાર્થભાઈની ફરિયાદને આધારે મોરબી પોલીસે શક્તિ ગજીયા સહિત પાંચ આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હાલ બે આરોપી શક્તિ ગજીયા અને મહેશભાઈ ઉર્ફે લાલાભાઈની અટક કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.