મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ ઉપર રામસેતુ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં રહેતા પાડોશી વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદને પગલે એક યુવક અને તેની માતા પર પડોશી બે શખ્સોએ ઇટ અને લાકડી વડે હુમલો કર્યો હતો. ઝગડામાં વેપારી યુવકને માથામાં ગંભીર ઈજા તથા માતાને પગમાં ઈજા થતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ સ્થિત રામસેતુ સોસાયટીના સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવીનભાઈ રમેશભાઈ ગડારા ઉવ.૩૨ એ પોલીસમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલ તા.૦૬/૦૯ ના રોજ સવારે પાર્કિંગ મુદ્દે પડોશી સાથે વિવાદ સર્જાયો હતો. ફરિયાદી ભાવીનભાઈએ જણાવ્યું કે તેમના એપાર્ટમેન્ટની સામેના શુભ એપાર્ટમેન્ટમાં રહેતા શુરેશભાઈ નાનજીભાઈ મીયાત્રાને તેની ગાડી કાઢવામાં ભાવીનભાઈની કાર નડતી હોય જે બાબતે ભાવિનભાઈને જાણ થતાં તેઓ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગયા ત્યારે શુરેશભાઈએ તેમને ગાળો આપતા, ભાવિનભાઈએ ગાળો બોલવાની ના પાડતા શુરેશભાઈએ ત્યાં પડેલી ઇટ ઉઠાવી તેમના માથામાં મારી દીધી હતી.
આ દરમિયાન ઝગડો વધતા ભેગા થયેલા લોકો વચ્ચે પડતાં શુરેશભાઈ પોતાના ઘરે ચાલ્યા ગયા અને થોડા સમય બાદ પોતાના ભાઈ લાલાભાઈ નાનજીભાઈ મીયાત્રા સાથે લાકડી લઈને પરત આવ્યા હતા. લાલાભાઈ અને શુરેશભાઈ બંને લાકડી લઈને ફરિયાદી ભાવિનભાઈને માર મારતા હોય ત્યારે ઝગડામાં વચ્ચે પડેલ ભાવીનભાઈની માતા જશુબેનને પણ શુરેશભાઈએ પગમાં લાકડી વડે ઈજા પહોંચાડી હતી.
ઘટના અંગે ભાવિનભાઈએ ૧૧૨ ઉપર ફોન કરીને પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે ભાવિનભાઈ અને તેની માતાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે આ હુમલા અંગે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.