વાંકાનેર તાલુકા નજીક આવેલ મચ્છુ-૧ ડેમ ૧૦૦% ભરાઈ જતા ઓવરફ્લો પરિસ્થિતિ ઊભી થઈ છે. નદીના પટ તથા કાંઠા વિસ્તારોમાં અવરજવર ન કરવા તથા ૨૪ અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પાસે આવેલ મચ્છુ-૧ ડેમમાં સતત પાણીની આવકને કારણે ડેમ ૧૦૦% ભરાઈ ગયો છે. પરિણામે ઓવરફ્લો પરિસ્થિતિ ઊભી થતા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા એલર્ટ મુજબ, ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ અવરજવર ન કરવી. તેમજ નીચવાસના ગામોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસવા સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત ૨૪ ગામોની યાદી મુજબ અદેપર, લખધીરનગર, લીલાપર, મકનસર, ધમલપુર, ઢુંવા, ગારીયા, હોલમઢ, જાલસીકા, કેરાળા, લુણસરીયા, મહીકા, પાજપંજ, પંચાસર, પંચાસીયા, રાણકપુર, રસિકગઢ, રાતી દેવડી, સોભલા, વઘાસીયા, વાંકાનેર, વાંકિયા, જોધપર અને હસનપર એમ ૨૪ ગામના લોકોને જીલ્લા વહીવટી તંત્રએ સાવચેતી રાખવા, નદીના પટમાં ઢોર ઢાંકર ન મૂકવા તથા માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ કર્યો છે.