મોરબી મહાનગરપાલિકાએ શહેર સૌંદર્ય વધારવા માટે મયુર બ્રિજ પર સ્થાપેલું “LOVE MORBI” સેલ્ફી પોઈન્ટ સ્કલ્પચરને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે આ જાહેર મિલ્કતના નુકસાન અંગે મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી અજાણ્યા ઈસમ સામે બીએનએસ તથા પ્રિવેન્શન ઑફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી શહેરમાં નટરાજ ફાટકથી વીસી ફાટક તરફ જતાં મયુર બ્રિજના મધ્યભાગે મહાનગરપાલિકા તરફથી “LOVE MORBI” નામનું સેલ્ફી પોઈન્ટ સ્કલ્પચર મૂકવામાં આવ્યું હતું. શહેરના સૌંદર્યમાં વધારો કરવાના હેતુસર બનાવાયેલા આ આકર્ષક સેલ્ફી પોઈન્ટનું અંદાજીત કિ.રૂ. રૂ.૨,૦૦,૦૦૦ છે. ત્યારે ગત તા. ૧૪/૦૮, ૨૨/૦૮ અને ૦૫/૦૯ એમ અલગ અલગ ત્રણ વખત આ સ્કલ્પચરના તમામ અક્ષરોને તોડીને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અંગે મોરબી મહાનગરપાલિકાના ઇલેકટ્રીક વિભાગના હેલ્પર તરીકે ફરજ બજાવતા સૂર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલ ઉવ.૫૩ રહે- શ્રદ્ધા પાર્ક નવલખી રોડ મોરબી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પ્રિવેન્શન ઑફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.