વાંકાનેરના માટેલ-ઢુવા રોડ પર આવેલી દુકાનની પાછળથી ઓડિશાના રહેવાસી અને સિરામીક કોન્ટ્રાક્ટરનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગંભીર ઇજા હોવાને આધારે અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરી મોત નીપજાવ્યુ હોય, હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હત્યાના બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામના દેવજીભાઈ સોમાભાઈ ઝરવરીયા ઉવ.૩૧ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ આપેલી ફરીયાદમાં જણાવ્યું કે તેઓ માટેલ-ઢુવા રોડ પર ભાડે રાખેલી દુકાન નં.૧૨માં ઉતમ વિકાસ સાહુ રહે. ઓડિશા વાળાને રહેવા માટે આપી હતી. આ ઉતમ સાહુ સિરામીક કારખાનામાં કિલનનો કોન્ટ્રાક્ટ રાખે છે. લગભગ બે મહિના પહેલાં ફરીયાદીએ તેમને ઉપરોક્ત દુકાન રહેવા આપેલી હતી. ત્યારે ગઈકાલ ૮ સપ્ટેમ્બરના બપોરે દુકાનની સામે લોહીના ધાબા પડેલા હોવાની જાણ થતાં ફરીયાદી સ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા નજીકની અવાવરુ જગ્યામાંથી લોહીના નિશાન મળી આવ્યા અને આગળ જઈ દીવાલની પાછળથી ઉતમ સાહુનો હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ઈજા હોવાને કારણે અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરી હત્યા કર્યાનું સામે આવ્યું છે. હત્યા અંગે ૧૧૨ મારફત પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા હત્યારા આરોપી સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.