મોરબી જીલ્લામાં એક જ દિવસે ત્રણ જુદા બનાવોમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા છે. વાંકાનેર તાલુકામાં એક મજૂરે પોતાની જાતે ગળા ઉપર કાતર મારી જીવન ટૂંકાવ્યું, જ્યારે મોરબી શહેર વિસ્તારમાં એક યુવાન મચ્છુ નદીમાં ડુબી ગયો. આ ઉપરાંત મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ-૩ ડેમમાં એક વ્યક્તિ પાણીમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ દ્વારા ત્રણેય બનાવોને લઈ અ.મોતની નોંધ આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં તા.૧૦/૦૯ના રોજ અપમૃત્યુના ત્રણ બનાવોની મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માટેલ રોડ પર કોટેસર ગ્રેનાઇટ ફેક્ટરીમાં રહેતા ચંદ્રમણીભાઇ દેબેનભાઇ બીરુવા ઉવ. ૩૭ મૂળરહે ઓડિશા નામના મજૂરે ૫ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાની જાતે ગળા ઉપર કાતર મારીને ઇજા કરી હતી. સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન ૧૦ સપ્ટેમ્બરના રોજ સવારે તેમનું મોત થયું હતું.
બીજા અપમૃત્યુના બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મચ્છુ નદીના બેઠા પુલ નીચે કિશોરભાઇ બચુભાઇ વાઘાણી ઉવ.૩૨ રહે. લીલાપર રોડ મોરબી વાળા મૃત હાલતમાં મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓ કોઇ અગમ્ય કારણસર નદીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના કંડલા બાયપાસ નજીક મચ્છુ-૩ ડેમ ખાતે દીલીપકુમાર નારણભાઇ ચુડાસમા ઉવ.૪૮ રહે. કૃષ્ણનગર મોરબી ૯ સપ્ટેમ્બરના રોજ પાણીમાં ફૂલ પધરાવવા જતાં દુર્ઘટનાવશ પડી જતા મોતને ભેટ્યા હતા. ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.