૧૦ દિવસમાં નિરાકરણ ન આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી.
મોરબીના સામાજિક કાર્યકર અનિલભાઈ સી. અંબાલીયાએ કલેકટર કે.બી. ઝવેરીને લેખિત રજુઆત કરી છે. વર્ષ ૨૦૧૦માં મંજૂર થયેલા ૧૦૦ ચોરસ વારના મફત ઘરથાળ પ્લોટમાંથી ૧૧ લાભાર્થીઓને આજદિન સુધી પ્લોટ ફાળવાયા નથી. મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયત વચ્ચેના પત્રવ્યવહારમાં વિલંબ થતાં ગરીબ લાભાર્થીઓ પોતાના હકથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ૨૫ સપ્ટેમ્બર સુધી પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીમાં મફત ઘરથાળ પ્લોટ ફાળવણી મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી ઢીલી નીતિને લઈને સામાજિક કાર્યકર અનિલભાઈ સી. અંબાલીયાએ મોરબી કલેકટર કે.બી. ઝવેરીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, તા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ તાલુકા પંચાયત લેન્ડ કમિટીમાં મંજૂર કરાયેલા ૩૪ લાભાર્થીઓમાંના ૧૭ને પ્લોટના કબજા ૨૪ ઓક્ટો. ૨૦૨૪ના રોજ સોંપાયા હતા. બાકીના ૧૭ માંના કેટલાકના ડોક્યુમેન્ટ્સ અધૂરા હોવા કે પોતાના મકાન હોવા જેવી પરિસ્થિતિઓને કારણે ૬ લાભાર્થીઓના નામ રદ થયા બાદ ૧૧ લાભાર્થીઓને ૨૪ ડિસે.૨૦૨૪ ના રોજ તાલુકા લેન્ડ કમિટીએ પ્લોટ ફાળવવાની મંજૂરી આપી હતી. પરંતુ, રજૂઆત અનુસાર ૧૦ મહિના વીતી ગયા હોવા છતાં આ ૧૧ લાભાર્થીઓને પ્લોટ ફાળવાયા નથી. તાલુકા વિકાસ અધિકારીએ મહાનગરપાલિકા અને જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યા હોવા છતાં બંને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેનાથી લાભાર્થીઓને યોગ્ય હક મળતો નથી. આ સાથે અનિલભાઈએ કલેકટરને વિનંતી કરી છે કે આ પ્રશ્નનો નિકાલ આગામી ૧૦ દિવસની અંદર કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી સાથે જ ખાસ ચેતવણી આપી છે કે જો ૨૫ સપ્ટે. ૨૦૨૫ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરી ખાતે પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરી લેશે.