રાજકોટના ૨૧ વર્ષીય યુવકનું વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકે ૮ શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. મારપીટ કરી તેના પાસેથી પાસપોર્ટ, યુએઈ આઈડી, ડેબિટ કાર્ડ અને રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. બાદમાં પરિવારજનોને ફોન કરીને રૂ.૧૭ લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ નામજોગ તેમજ પાંચ અજાણ્યા સહિત ૮ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નમનભાઈ દીલીપભાઈ લુણાગરીયા ઉવ.૨૧ રહેમૂળ સંત કબીર રોડ રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નમનભાઈ હાલમાં યુનાઇટેડ આરબ ઈમિરેટસના અજમાન શહેરમાં પ્રાઇવેટ નોકરી કરે છે અને ત્યાં રહે છે. ફરિયાદ મુજબ, ફરિયાદીના મિત્ર દેવ સંદીપભાઈ સિંઘવે અગાઉ તેના માધ્યમથી ઓનલાઈન યુએસડીટી ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ વ્યવહારમાં દેવ સિંધવે રૂ.૧૭ લાખ રાજકોટના દિવ્યરાજ સોલંકી પાસેથી લઈને આપ્યા હોય જે બાદ યુએસડીટી તુરંત રિટર્ન કરતા તેના રૂપિયા આંગડીયા મારફત દેવ સિંધવને પરત મોકલાવી આપ્યા હોય, ત્યાર બાદ આ રૂપિયા દેવ સિંધવે દિવ્યરાજને પરત ન આપતા તે ચુકવણી બાબતે મતભેદ ઉભા થયા હતા. આ રકમની માંગણીને લઈને રાજકોટના દિવ્યરાજ સોલંકી, તેના પિતા સંજયભાઈ સોલંકી, ઠીકરીયાળા ગામના રણજીત ડાંગર અને અન્ય અજાણ્યા ૫-૬ સાગરીતોએ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકે ફરિયાદીની કાર રોકી ફરિયાદી નમન લુણાગરીયા, તેના મિત્રો પાર્થિવ ઝાપડા અને હર્ષ પટેલ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. તેમની પાસેના મોબાઇલ, પાકીટો, પાસપોર્ટ યુએઈ આઈડી, ડેબિટ કાર્ડ અને રૂ.૨૦,૦૦૦ રોકડા પડાવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદી અને મિત્રોને કારમાં બેસાડી અપહરણ કરી ઠીકરીયાળા ગામની સુમસાન જગ્યાએ લઈ જઇ મારપીટ કરી હતી.
આરોપીઓએ ફરિયાદીના પરિવારજનોને વોટ્સએપ કોલ પર ધમકી આપી રૂ. ૧૭ લાખની ખંડણીની માંગણી કરી હતી. બાદમાં તેઓએ ફરિયાદીના મમ્મીને ફોન ઉપર ફરિયાદીની આઈ-૨૦ કાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે જામીનગીરી તરીકે મુકાવી હતી ત્યારબાદ ફરિયાદીને મુક્ત કર્યા હતા. આ સાથે પાસપોર્ટ સહિતના દસ્તાવેજો પરત ન આપતા અંતે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી દિવ્યરાજ સોલંકી, સંજય સોલંકી, રણજીત ડાંગર સહિત ૮ આરોપીઓ વિરૂદ્ધ અપહરણ, મારપીટ, લૂંટફાટ અને ખંડણીની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે