મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ડિજિટલ સેવા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે મિલકત નામ ટ્રાન્સફર, પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાય વેરો જેવી કામગીરીઓ મહાનગરપાલિકાની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘરે બેઠા ઓનલાઈન કરી શકાશે. અત્યાર સુધીમાં ૧૪૭૨ અરજદારોએ આ ઓનલાઈન સેવાઓનો લાભ લીધો છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકો માટે વિવિધ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવી છે. જે મિલકત ધારકોએ પોતાની મિલકત વેચાણ લીધેલ હોય અને મહાનગરપાલિકામાં નામ ટ્રાન્સફર કરાવવાનું હોય, તેઓ હવે મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ મારફતે ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઘરે બેઠા ઓનલાઈન નામ ટ્રાન્સફર કરી શકશે. સાથે સાથે નામ ટ્રાન્સફર ફી પણ ઓનલાઈન જ ભરવાની સગવડ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ત્રણ મિલકતોના નામ ટ્રાન્સફર ઓનલાઈન થઈ ચૂક્યા છે.
પ્રોપર્ટી ટેક્સ સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા કચેરી ઉપરાંત શહેરની કુલ ૧૧ ક્લસ્ટર ઓફિસોમાં સવારે ૧૦.૩૦ થી બપોરના ૧૨ વાગ્યા સુધી કરવામાં આવે છે. વધુમાં, મહાનગરપાલિકા કચેરીના રૂમ નં. ૯ માં પીઓએસ મશીન મારફતે મિલકત વેરો વસૂલાતની પણ શરૂઆત થઈ ચૂકી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ https://mmcgujarat.in/ તેમજ “Morbi Municipal Corporation” નામની મોબાઈલ એપ્લિકેશન (Play Store પર ઉપલબ્ધ) દ્વારા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરવામાં સક્ષમ બન્યા છે. માત્ર મિલકત નંબર દાખલ કરીને ઓનલાઈન ચુકવણી કરી શકાય છે. અત્યાર સુધીમાં ૧૪૭૨ અરજદારો ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવાની સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને ઝડપી સેવાઓ મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા આ જાહેર અપીલ કરવામાં આવી છે કે શહેરના તમામ મિલકતધારકો તથા ભોગવટેદારો ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી સમય અને મહેનત બંને બચાવે