મોરબી-વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક ડમ્પરે ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટર સાયકલની પાછળ બેઠેલ યુવકને બન્ને પગમાં ગંભોર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નિપજ્યું છે, અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, હાલ ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ સાંજે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક એપેક્ષ હોસ્પિટલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં ફરીયાદી રવીભાઈ જગદીશભાઈ નારણીયા તથા તેમના સાથી ખુમાનસિંહ રાઠોડ હોન્ડા ડ્રીમ ડીલક્સ રજી.નં. જીજે-૩૬-એડી-૧૦૭૦ ઉપર જાંબુડીયા ગામથી મકનસર તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેઇલર-ડમ્પર રજી.નં. જીજે-૩૬-ટી-૯૯૯૫ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ફરીયાદી રવીભાઈને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે તેમના મોટર સાયકલ પાછળ બેઠેલ ખુમાનસિંહ રાઠોડને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. સમગ્ર ઘટના બાબતે હાલ તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી, અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.