મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક નેક્શસ સિનેમા પાસે પોલીસે રેડ કરતા મોબાઇલમાં એપ મારફત ઑનલાઈન ક્રિકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો રનફેરનો જુગાર રમતા એક પકડાયો છે, જ્યારે આઇડી આપનારનું નામ ખુલતા તે આરોપીને ફરાર દર્શાવી, પોલીસે રોકડ તથા મોબાઇલ સહિત રૂ.૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે અમરેલી ગામ નજીક નેક્શસ સિનેમા પાસે રેઇડ કરવામાં આવી હતી, તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી કલ્પેશભાઈ કનૈયાલાલ ચાવડા ઉવ.૪૨ રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાએ આરોપી જલાભાઈ રહે. રવાપર રોડ મોરબી વાળા પાસેથી ઑનલાઈન જુગાર માટે આઈ.ડી મેળવી હતી. આરોપી કલ્પેશભાઈએ પોતાના ફોનમાં BETFALSH247 એપ મારફતે GTPL67 આઈ.ડી. નો ઉપયોગ કરીને ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વનડે ક્રિકેટ મેચમાં રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા તાલુકા પોલીસના હાથે ઝડપાયા ગયો હતો. જ્યારે આઇડી આપનાર આરોપી હાજર મળી આવ્યો ન હોય જેથી તેને ફરાર જાહેર કરી પોલીસે રોકડા રૂ.૨,૦૦૦/- તથા મોબાઇલ સહિત રૂ.૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.