મોરબી શહેરમાંથી પસાર થતો માળીયા-રાજકોટ હાઇવે રાત્રિ સમયે ગંભીર અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો છે. એક વર્ષથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોના કારણે નાના વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે બાબતે એક જાગૃત નાગરિક દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને ભક્તિનગર સર્કલ બ્રિજથી પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ચાલુ કરવા માંગ કરી છે.
મોરબીના નાની વાવડી રોડ ખાતે રહેતા જાગૃત નાગરિક નિલેષ પી. ચાવડાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને શહેરમાં ટ્રાફિક અને અકસ્માતની ગંભીર સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, માળીયા-ટંકારા-મોરબી થઈ રાજકોટ જતો હાઇવે શહેરના મધ્યમાંથી પસાર થાય છે. રાત્રિ સમયે પૂર ઝડપે દોડતા ટ્રક અને ગાડીઓના કારણે નાના વાહનો તથા રાહદારીઓ વારંવાર અકસ્માતનો ભોગ બને છે. ખાસ કરીને રખડતા ઢોર રોડ પર બેઠા હોવાથી અકસ્માતની સંભાવના વધે છે. એક વર્ષ પહેલા આ હાઇવે પર ભક્તિનગર સર્કલ બ્રિજથી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી. જેમાં દલવાડી સર્કલ, પંચાસર ચોકડી અને વાવડી ચોકડી જેવા ટ્રાફિક સમસ્યાગ્રસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. પરંતુ આ સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. રાત્રિના સમયે પ્રકાશના અભાવને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અનેકવાર મજૂરો અને નાના બાળકો ગંભીર ઇજાઓનો ભોગ બન્યા છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં જાનહાનિ પણ થઈ છે.
ગુજરાત સરકાર અકસ્માત નિવારવા અને જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવી રહી છે, ત્યારે મોરબીમાં જ લાઇટો બંધ હોવું દુર્ભાગ્યપૂર્ણ બાબત ગણાવીને નાગરિકોએ કડક અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે ઉપરોક્ત મુદ્દે તાત્કાલિક તપાસ કરીને સંબંધિત તંત્રને સૂચના આપી, બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવી લોકોના જીવને સુરક્ષિત કરવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.