મોરબી જીલ્લામાં ચોરી-લૂંટના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેને પગલે મોરબી જિલ્લા એસ.પી મુકેશ પટેલ એક્શન મોડામાં આવ્યા છે. અને મોરબી જીલ્લામાં મીલક્ત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા કડક સૂચનો આપવામાં આવ્યા છે. ત્યારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દુધ ડેરીમાથી રોકડા રૂ.૧,૯૪,૦૦૦/- ની થયેલ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી માહિતી મળી હતી કે, વાંકાનેરમાં દુધ ડેરીમા થયેલ ચોરીના રોકડા રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઇસમ વાંકાનેર નેશનલ હાઇવે હસનપર બ્રીજ પંચાસર તરફ જતા રોડની સાઇડની બાજુમાં સેનેટરી કારખાના તરફ જતા રોડ ઉપર ઉભેલ છે. જે હિકકતનાં આધારે વાંકાનેર પોલીસે આરોપી આફતાબ હસનભાઇ બેલીમને પકડી નામઠામ પુછી તેની પાસે રહેલ થેલો જોતા રોકડા રૂપીયા તથા બીલ બુક તથા બેંક ઓફ બરોડાની ચેક બુક મળી આવી હતી. જે બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા આરોપીની સધન પુછપરછ કરતા વાંકાનેર નવાપરા પંચાસર રોડ જય ગોપાલ ડેરી ફાર્મમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા રૂ.૧,૯૪,૦૦૦/-નાં મુદ્દામાલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.